ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

વિરપુરની યાત્રા


મિત્રો ત્રણ દિવસની રજામાં એક દિવસ તો પતંગો સાથે બીઝી રહ્યો. પણ બાકીના બે દિવસ ફ્રી હતો તેથી જુના મિત્રને એક દિવસ મળી આવ્યો, અને એક દિવસ વિરપુર જવાનુ નક્કી કર્યુ. મારા મોટા દિકરા દિવ્ય, જે ૫ વર્ષનો છે, એણે  ટ્રેનમાં સફર નહોતી કરી એટલે ટ્રેનમાં જ જવાનુ નક્કી કર્યુ. એટલે રાજકોટથી વિરપુર ટ્રેનમાં જ ગયા. રાજકોટમાં જંકશન પ્લોટમાં એક મિત્રને ત્યાં કાર મુકીને રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં સફરની શરૂઆત કરી. રજાના દિવસો અને વિકએન્ડ હોવાથી ટ્રેનમાં ગીરદી તો હતી જ. પણ ત્ય઼ાં મને સૌરાષ્ટ્ર ની જે મીઠાસનો અનુભવ થયો, જે મુખ્યત્વે ગુજરાતમાં નથી જોવા મળતો, જગ્યા ન હોવાથી અમે લોકો ઊભા હતા, ત્યાં જ એક બારી પાસે બેઠેલા કાકાએ મારા પુત્રને તેમની પાસે બેસવા માટે જગ્યા આપી દીધી, અને વાત વાતમાં તેઓ એક વાત કહી ગયા જે બિલકુલ સત્ય હતી, કે આપણા સૌરાષ્ટ્રમાં હજુ માનવતા મરી નથી. ગુજરાતમાં જાઓ તો તમને માનવતા જોવા નથી મળતી. આ વાત હું પણ માનુ છું કારણકે મેં મારા ૨૫ કે ૨૭ વર્ષ સૌરાષ્ટ્રમાં જ વિતાવ્યા છે. રાજકોટ અને તેની બાજુમાં આવેલા મોરબી શહેરમાં. જે કલ્ચર ત્યાં છે તે હાલ વડોદરા શહેરમાં મને જોવા મળતુ નથી. વિરપુર પહોંચ્યા બાદ જલારામબાપા ના દર્શન કર્યા બાદ મંદિરમાં જ બાપાનો પ્રસાદ ગ્રહણ કર્યો. અને ફરીથી ટ્રેનમાં રાજકોટ આવવા માટે નીકળ્યા. ટ્રેનમાં ગીરદી તો હતી જ આવતી વખતે જે અનુભવ થયો તેનુ પુનરાવર્તન. નાના બાળકો સાથે હોવાથી બે ભાઇઓએ બેસવા માટે જગ્યા આપી દીધી, અને તઓ રાજકોટ આવતા સુધી ઊભા રહ્યા. ત્યારે મને પેલા કાકા એ કહેલા શબ્દો મારા મગજમાં ગુંજતા રહ્યા, અને આ સારો અનુભવ આટલેથી જ ના અટ્કયો. રાજકોટ પહોંચ્યા બાદ થોડી વાર મિત્રને ત્યાં બેઠા હતા, ત્યારે મારો નાનો પુત્ર કે જે ૧ વર્ષનો છે તે પુરતી ઊંઘ ન મળવાને કારણે રડી રહ્યો હતો અને ઊંઘાડવા છતા પણ ઊંઘી નહોતો રહ્યો, કારણ હતુ ઘોડીયુ, નાના બાળકો ઊંઘવા માટે નુ મનગમતુ ! તેથી તેને મારા ભાભી ફેરવવા માટે બહાર લઇ ગયા તો ત્યાં જ બાજુમાં રહેતા પાડોશી જે ન તો મારા ભાભીને ઓળખતા હતા કે ન તો તેમનો મારા મિત્ર જોડે ખાસ પરિચય હતો, તેઓ તેમના ઘેર બાળકને ઊંઘાડવા તેમના ઘેર તેડી ગયા. તો મિત્રો આ બાબતને આપણે શું કહીશુ – માણસાઇ જ ને ? બીજુ શું ? જે સવારે ઘેરથી નિકળ્યા ત્યાં થી તે છેક ઘેર પહોંચ્યા ત્યાં સુધી અલગ અલગ લોકો દ્વારા કે જેની જોડે પરિચય નથી છતા પણ તેમની મદદ કરવી. આ રીતની મદદ તો સૌરાષ્ટ્રમાં જ શક્ય છે બીજે ક્યાંય નહિં. તે મેં વિરપુરની યાત્રામાં પણ અનુભવ્યુ અને ખરેખર મારી ય઼ાત્રા સફળ લાગી. આવી જગ્યાએ જવુ એ ખરેખર જીંદગી નો એક યાદગાર અનુભવ મળ્યો છે અને જે માન મારા મનમાં સૌરાષ્ટ્ર માટે છે તેમાં વધારો કરનાર રહ્યો.

Advertisements

Comments are closed.

%d bloggers like this: